અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે. ગુજરાતના અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. ત્યાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા છે.
સાબરમતીની સાથે જ અમદાવાદના અન્ય જળ સ્ત્રોત કાંકરિયા, ચંડોળા તળાવમાંથી લેવામાં આવેલા સેમ્પલ્સ પણ સંક્રમિત નોંધાયા છે. એટલું જ નહીં, સંશોધકોએ જયારે આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના સંક્રમિત આવ્યું છે.
આ તમામ સેમ્પલ્સમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિષાણુઓની ઉપસ્થિતિ નોંધાઈ છે. આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની ૮ સંસ્થાઓએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. તેમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કુલ ઓફ એનવાયરમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનીષ કુમારના કહેવા પ્રમાણે ગત વર્ષે સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી.
આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.