અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન
કોરોનાના રોગચાળાની બીજી વેવ હેઠળ ભારતમાં કટોકટીની પરિસ્થિતી સર્જાઈ હતી, ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પથારીની તીવ્ર તંગીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થતિ ફરી ના આવે તેમજ સંભવિત ત્રીજા કોવિડ વેવની સામે લડવા અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન આપીને મદદ કરવા આગળ આવ્યું છે.
આ એક નવીનતમ તકનીકનો પ્લાન્ટ છે જે દર મિનિટે આશરે 500 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે દરરોજના 100 જંબો સિલિન્ડરોની સમકક્ષ છે. ઓક્સિજન એ ક્રિટિકલ COVID-19 દર્દીઓ તેમજ અન્ય રોગોના દર્દીઓની સારવાર માટે ખુબ મહત્વનું છે. જી.સી.એસ. હોસ્પિટલમાં ૨૬ જૂનના રોજ શ્રી ક્ષિતિષ મદનમોહન (જીસીએસ – ટ્રસ્ટી), શ્રી પ્રદ્યુત માજી (અદાણી ગ્રૂપ) અને મેનેજમેન્ટ ટીમની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ પ્લાન્ટના ઉમદા યોગદાન બદલ અદાણી ફાઉન્ડેશનનો આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્લાન્ટથી ઘણાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે એક વરદાનરૂપ નિવડશે. અત્રે નોંધનીય છે કે જીસીએસ હોસ્પિટલે હાલ સુધીમાં 7000+ થી વધુ દર્દીઓની સેવા કરી હતી અને COVID-19ના સંભવિત ત્રીજા વેવમાં પણ સેવા આપવા માટે કટિબદ્ધ છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.