કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા EDની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૃ કરી હતી.
ઝારખંડ મુકિત મોરચા (જેએમએમ) કાર્યકરોએ ઝારખંડના સીએમ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની પૂછપરછને લઈને હંગામો મચાવ્યો છે. અહીં મોરાબાડી ગ્રાઉન્ડમાં પાર્ટીના ઘણા કાર્યકરો એકઠા થયા છે. સમર્થકોની આ ભીડ રાજભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહી છે.
હેમંત સોરેને ધારાસભ્યોની બેઠકમાં બે સાદા કાગળો પર સહી કરાવી છે. એક પત્ર કલ્પના સોરેન માટે અને બીજા પત્રમાં મંત્રી ચંપાઈ સોરેનના નામે સહી કરવામાં આવી છે. જેએમએમના ધારાસભ્યો (ગઈકાલે બેઠકમાં ૭ ધારાસભ્યો હાજર ન હતા) એ કલ્પના સોરેન અને ચંપાઈ સોરેનના સમર્થનમાં બે પત્રો પર હસ્તાક્ષર કર્યા છે.
જો હેમંતની ધરપકડ થશે તો આવી સ્થિતિમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૃ કરવી પડશે. ત્યારે આ પત્રો મહત્વના બની રહેશે અને એક નામ પર અંતિમ સહમતિ બન્યા બાદ આ પત્ર રાજયપાલને સોંપવામાં આવી શકે છે. પ્રથમ વિકલ્પ તરીકે કલ્પના સોરેનનું નામ છે. તે હેમંતના પત્ની છે. પરંતુ, હેમંતના ભાઈ બસંત સોરેન અને ભાભી સીતા સોરેનને JMMના ૧૮ ધારાસભ્યોનું સમર્થન છે. શિબુ સોરેન પણ બસંત સોરેનને સપોર્ટ કરી રહ્યા છે.
