વર્લ્ડ હિયરિંગ ડેની ઉજવણી કરવા માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો અને વયસ્કો, ઇએનટી અને પીડિયાટ્રીક વિભાગ સાથે સંકળાયેલા સદસ્યો તથા અપોલો હોસ્પિયલ, અમદાવાદનાં કર્મચારીઓએ મળીને શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓ અટકાવવા અંગે જાગરૂકતા ફેલાવવા અને કાન અને શ્રવણશક્તિની સંભાળને પ્રોત્સાહન આપવાનાં હેતુથી એક માનવ સાંકળની રચના કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું.
બાળકો તથા કર્મચારીઓ ‘Bridging the Sound Gap’ (શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓના નિવારણ)નો સંદેશો આપવા તથા વર્લ્ડ હિયરિંગ ડે 2023ની થીમ – ઇયર એન્ડ હિયરિંગ કેર ફોર ઓલ -ને લઇને જાગરૂકતા ફેલાવવા અટલ પેડસ્ટ્રીઅન બ્રિજ પર એકત્રિત થયા હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર 12-35 વર્ષની વય જૂથના એક અબજથી વધુ યુવાનોને ઘણાં કારણોસર સાંભળવાની સમસ્યા અને બહેરાશનું જોખમ છે.
કાનને નુકસાનથી બચાવવા માટે અપોલો હોસ્પિટલ, અમદાવાદનાં કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન, ડાયરેક્ટર, સિનિયર ઇએનટી કન્સલ્ટન્ટ રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “ખૂબ મોટેથી સંગીત સાંભળવાનું ટાળો, જ્યારે તમે ઘોંઘાટવાળી જગ્યાએ હોવ ત્યારે ઇયરપ્લગનો ઉપયોગ કરો અને તમારા કાનની નિયમિત તપાસ કરાવો. શ્રવણશક્તિને લગતી તમામ સમસ્યાઓ માટે વહેલું નિદાન અને સારવાર સૌથી મહત્વપૂર્ણ છે. સિનિયર પિડિયાટ્રિશિયન ડો. રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “માતાપિતાએ તમામ નવજાત શિશુઓની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને ઓટોટોક્સિક ડ્રગ્સનો ઉપયોગ ટાળવો જોઈએ.”
