વડોદરાની જાણીતી એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં દર્શન રાવલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટ દરમિયાન વિદ્યાર્થીઓ ઓવરક્રાઉડ થતા ધક્કામુક્કી થઈ હતી, જેથી ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થયા હતા. વિદ્યાર્થીઓ બેભાન થતા કોન્સર્ટ અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી અને બેભાન થયેલા વિદ્યાર્થીઓને ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
માહિતી મુજબ, વડોદરાની એમ.એમ.યુનિવર્સિટીમાં ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં દર્શન રાવલ કોન્સર્ટ યોજાયો હતો. દરમિયાન વિદ્યાર્થીઓની ભીડ વધી ગઈ હતી. આથી ઓવરક્રાઉડ હોવાના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ ગૂંગળામણને કારણે બેભાન થયા હતા. વિજિલન્સની ટીમ પણ ભીડને કાબૂ કરવામાં નિષ્ફળ થઈ હતી. બેભાન થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીનો ઉપયોગ કરાયો હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું.
મિસ મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું
મીડિયા રિપોટ્સ મુજબ, કોન્સર્ટમાં એકાએક ભીડ વધી ગઈ હતી, જેના કારણે ધક્કામુક્કી થઈ હતી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓના બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં. જ્યારે કેટલાક બેભાન થયા હતા. આ પરિસ્થિતિ માટે વિદ્યાર્થી નેતાઓ દ્વારા મિસ મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ 6 વાગ્યાથી ટેક્નોલોજી ફેકલ્ટીના ગેટ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઇ ગયા હતા. સયમસર એન્ટ્રી ના અપાતા કેટલાક વિદ્યાર્થીઓ ગેટ પર ચઢી ગયા હતા. વિદ્યાર્થીની સંખ્યા વધતા ઓવરક્રાઉડ થતા ધક્કામુક્કી થઇ હતી, જેથી કેટલાક વિદ્યાર્થીઓ બેભાન થયા હતા. જોકે ભીડની સ્થિતિ નિયંત્રણમાં આવતાં આખરે વિદ્યાર્થીઓએ શાંતિથી કોન્સર્ટ માણ્યો હતો.