છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. માહિતી મુજબ, રવિવારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વિભાગે જણાવ્યું કે, 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે 7મી માર્ચે સાબરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું
માહિતી મુજબ, રાજ્યના હવામાન વિભાગે અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સુરતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હોવાના સમાચાર છે. ઉપરાંત, બારડોલી, પલસાણા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાપી અને તેના નજીકના વિસ્તારમાં વરસાદ થયો હોવાની માહિતી છે. સાથે જ રાજ્યના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વના તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ હોળી પ્રગટાવાના સમયે પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ખેડૂતોના જીવ અધ્ધર થયા
રવિવારની વાત કરીએ તો સાંજ પછી રાજકોટ, ભાવનગરમાં વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, રાજકોટના જસદણમાં એપીએમસીમાં ખુલ્લા પડેલા ઘઉં, એરંડા, જીરુ સહિતના પાક પલળી જવાથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.