“સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૫ મી મેના રોજ બહુમતીના આધારે ૧૦૨ માં સુધારા સાથે સંબંધિત નિર્ણય પર પુનર્વિચારણાની અરજીને ફગાવી દીધી છે. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, ૧૦૨ મી સુધારણા પછી રાજયોને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો (એસઇબીસી) ને ઓળખવાનો અધિકાર નથી.
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવિન્દર ભટની બેન્ચે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પુનર્વિચારણાની અરજીમાં જે આધાર આપવામાં આવ્યા છે, તે બધાને મુખ્ય ચુકાદામાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બેન્ચે કહ્યું છે કે ૫ મેના આદેશમાં દખલ કરવાનો કોઈ આધાર નથી. એમ કહીને બેન્ચે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજીને ફગાવી દીધી.
બેન્ચે ઓપન કોર્ટમાં રિવ્યુ પિટિશનની સુનાવણી કરવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી. આ અરજીની સુનાવણી બેંચ દ્વારા ૨૮ જૂને તેની ચેમ્બરમાં કરવામાં આવી હતી, પરંતુ ગુરૂવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ આદેશ રજુ કરવામાં આવ્યો.
ગત ૫ મેના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણની બેંચે બહુમતી (૩:૨) ના આધારે કહ્યું કે, ૧૦૨માં સુધારા પછી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઓળખવાનો રાજયોનો અધિકાર સમાપ્ત થઇ ગયો છે.”