અમદાવાદના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ સુધીના માર્ગ પર ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પૂરઝડપે આવતી એક કારને પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકવાની જગ્યાએ પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી અને પછી કાર લઈ ફરાર થઈ ગયો હતો. કારની ટક્કરે પોલીસકર્મીને ઇજા થઈ હતી. જ્યારે પોલીસની ટીમે કારચાલકનો પીછો કરી તેની ધરપકડ કરી હતી.
માહિતી મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે શહેરના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ જતા રોડ પર કોઈ ફિલ્મનું શુટિંગ થતું હોય તેવા દૃશ્યો લોકોને જોવા મળ્યા હતા. પોલીસ પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કારચાલક સહિત 6 લોકો સામે હત્યાની કોશિશ તેમ જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમ જ પોલીસ કર્મચારી સિરાજભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન રાજપથ ક્લબની પાછળના રોડ પરથી એક કાર પૂરઝડપે આવી રહી હતી. આથી પોલીસ જવાને કારને રોકવા ઇશારો કર્યો હતો.
પોલીસની ટીમે કારનો પીછો કર્યો
પોલીસનો ઇશારો જોઈ કારચાલકે કાર રોકવાની જગ્યાએ વધુ સ્પીડમાં દોડાવી હતી અને પોલીસ કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસની ટીમે કારનો પીછો કર્યો હતો અને કારમાં બેઠેલા એક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, કારમાં અવિનાશ રાજપૂત, ધ્રૂવિન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અન્ય એક અજાણ્યો શખ્સ બેઠા હતા. માહિતી છે કે, પકડાયેલા આરોપીનું નામ અનિવાશ છે અને પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે કાર ક્રૃણાલ ચલાવતો હતો. જ્યારે નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી છે. તપાસમાં સામે આવ્યું કે, અવિનાશે ચાલુ કારમાંથી ઉતરી જવાનું કહેતા કૃણાલે તેને ઉતારી દીધો હતો અને પછી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.