લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમદાવાદમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે કુલ 15 અરજીઓ અરજદારો દ્વારા આપવામાં આવી હતી અને આ તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
અરજદાર નિકુંજભાઇ પરમારે પ્રતિભાવ આપતા કહ્યું કે, તેઓ હાલ અમદાવાદના નારોલ વિસ્તારના રહેવાસી છે. નારોલ ગામમાં રોહિત વાસ પાસે આવેલા હોળી ચોક પાસે સરકારી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ પાસે ઘણા સમયથી કચરો લેવા આવતી ગાડી અનિયમિત છે. સવારે ગાડી આવે એ કચરો ઉઠાવી જાય છે ત્યારબાદ આખો દિવસ ત્યાં કચરાનો ઢગલો એટલો બંધો જઇ જાય છે કે જેના કારણે સ્કૂલે આવતા બાળકો તેમજ રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા બાબતે અરજી કરી હતી. આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે આ પ્રશ્ન સંદર્ભે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ) તેમજ નોડલ અધિકારી સીટી ડેપ્યુટી કલેક્ટર(ઇસ્ટ)ની સમક્ષ રજૂઆત કરતા હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો તેમજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ વિસ્તારમાં નિયમિત કચરાની ગાડી આવતી થશે એ વાતનો દિલાસો મળતા સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી નિકુંજભાઇ પરમારે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.