નરોડા વિસ્તારમાં એક 17 વર્ષીય માસૂમ સગારીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે, પોલીસને જાણ કર્યા વિના જ પરિવાર સગારીના અંતિમ સંસ્કાર કરવા માટે નરોડા સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યો હતો. સ્મશાન ગૃહના સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત સ્મશાન ગૃહ પહોંચી હતી અને અંતિમ સંસ્કારની વિધિ અટકાવી સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરાએ બપોરના સમયે ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, સગીરાનો પરિવાર પોલીસને જાણ કર્યા વિના જ સગીરાના મૃતદેહ લઇ નરોડા સ્મશાન ગૃહ અગ્નિસંસ્કાર માટે પહોંચ્યો હતો. પરંતુ, સ્મશાન ગૃહમાં કામ કરતાં યુવકે સગીરાના ગળા પર ઇજાના નિશાન જોતા તેને શંકા ગઇ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત સ્મશાન ગૃહ પહોંચી હતી અને અંતિમ વિધિની પ્રક્રિયા અટકાવી સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
પોલીસે હકીકત જાણવા તપાસ હાથ ધરી
પરિજનોથી આ અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, કેટલાક દિવસથી સગીરા અભ્યાસને લઇને તણાવમાં હતી, જેથી તેણે આ પગલું ભર્યું હોઇ શકે. જો કે, તેઓ પોસ્ટમોટ્મ કરાવવા માંગતા ન હોવાથી પોલીસને આ અંગે જાણ કરી નહોતી. પોલીસે આ મામલે હવે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને શા માટે પોલીસને જાણ કર્યા વગર પરિવારજનો મૃતક સગીરાનું અગ્નિસંસ્કાર કરવા સ્મશાને પહોંચી ગયા? તે દીશામાં તપાસ હાથ ધરી છે.