‘ઓપરેશન કાવેરી’ હેઠળ બુધવારે સુદાનમાંથી ભારતીયોની છઠ્ઠી બેચને સ્વદેશ પરત લાવવામાં આવી હતી. આ સાથે યુદ્ધગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાંથી બચાવવામાં આવેલા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા વધીને 1,100 થઈ ગઈ છે. MEAના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે ‘4થી IAF C-130J ફ્લાઇટ પોર્ટ સુદાનથી 128 મુસાફરો સાથે જેદ્દાહ માટે રવાના થઈ છે. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલ ભારતીયોની આ છઠ્ઠી બેચ છે, જેમાં કુલ 1100 લોકો સામેલ છે.
અગાઉ બુધવારે, લગભગ 500 ફસાયેલા ભારતીયોને બે અલગ-અલગ બેચમાં પોર્ટ સુદાનથી જેદ્દાહ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મેગા ઓપરેશન હેઠળ સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને પણ પાછા ભારત લાવવામાં આવ્યા છે. આ તમામ નાગરિકો ગુરુવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચ્યા બાદ તમામને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી છે. ગુજરાતી મુસાફરોને સરકાર દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે.
સુદાનથી ભારતીયોને પરત સ્વદેશ લાવવા ‘ઓપરેશન કાવેરી’ શરૂ કરાયું
ઉલ્લેખનીય છે કે, આફ્રિકન દેશ સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હોવાથી હિંસા ફાટી નીકળી છે. સુદાનમાં રહેતા ભારતીયો સહિત અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે. સુદાનમાં આંતરિક યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સ્વદેશ લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. હેઠળ ગુરુવારે 38 ગુજરાતીઓ સહિત 128 મુસાફરોને ભારત લવાયા હતા. જ્યારે સુદાન ફસાયેલા ગુજરાતી નાગરિકોને મુખ્યમંત્રીના દિશાદર્શન મુજબ રાજ્ય સરકારે ઇ-મેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો હતો. સંપર્કમાં આવેલા આ તમામ લોકોને ઓપરેશન કાવેરી હેઠળ કાર્યરત 24×7 હેલ્પલાઇન વિશે માહિતગાર કરાયા હતા.