અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસને લઈને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અમરેલીમાં ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધીના પ્રસ્તાવિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં પ્રવાસન સ્થળોના વિકાસને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લાઠી નજીક આવેલ ભુરખીયા હનુમાનજી મંદિરના કેટલાક પ્રશ્નોને લઈ નિર્ણાયક ચર્ચા થઈ હતી.
ઉપરાંત અમરેલી ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધીના પ્રસ્તાવિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજુલા નજીક સરકેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર તથા દરિયાઈ વિસ્તાર ઉપરાંત બીચ વિકાસ, લીલીયામાં નીલકંઠ સરોવરના સુશોભન, ચલાલામાં દાનેવ ધામ, ધારી પાસે આવેલ બુઢેશ્વર મંદિર, ખોડિયાર મંદિરના વિકાસને લઈને પણ ચર્ચા કરાઈ હતી. અમરેલીમાં રાજમહેલનું રીડેવલપમેન્ટ કરવા પણ બેઠકમાં સવાલ ઉઠ્યા હતા. આ બેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડીયા અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.