શાપરમાં શીતળામાતાના મંદિર પાસે રહેતા દંપતી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે પત્નીએ સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેમાં ગૃહકલેશના કારણે કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શીતળા માતાના મંદિર પાસે રહેતા અને માર્કેટિંગનું કામકાજ કરતા મૂળ બિહારના સુનીલ કુમાર સિંગની પત્ની રાનીબેને પોતાના ઘરે સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિ સુનીલ કુમાર જોઈ જતા રાનીબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસ મથકમાં જાણ કરતા શાપર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુનીલ કુમાર અને રાનીબેન છેલ્લા ત્રણેક વર્ષથી લીવ ઇન રિલેશનમાં સાથે રહે છે. પરંતુ દોઢ વર્ષ પહેલાં બંને વચ્ચે ઝઘડો થતા સુનીલ કુમાર બિહાર જતો રહ્યો હતો. ત્યાર બાદ રાનીબેને પોલીસમાં અરજી કરતા સુનીલ કુમાર પરત આવ્યો હતો અને છ માસ પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. હાલ રાની બેનને છ માસનો ગર્ભ હોવાની અને દંપતી વચ્ચે ચાલતી નાની મોટી માથાકૂટમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.