સુરત: સુરતમાં ઠગ બાજો અવનવા નુસખા અપનાવી લોકોને છેતરી રહ્યા છે. એવામાં સુરતના સરથાણા વિસ્તારમાંથી તબીબ સાથે છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં ઠગ દંપતીએ તબીબને નોકરીની લાલચ આપી તેમજ શેર બજારમાં રોકાણ કરાવી મોટા લાભની લાલચ આપીને 99 લાખથી વધુ રૂપિયા પડાવી લઈને છેતરપીંડી આચરી હતી. ઘટનાને પગલે સરથાણા પોલીસે ઠગ દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ઠગાઈનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. લોકો સાથે અનેક યુક્તિ પ્રયુક્તિ કરી લોકોને ભોળવી તેમજ વિવિધ લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી છે. તેવા જ વિશ્વાસનો ફાયદો સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક દંપતીએ ઉઠાવ્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ક્લિનિક ચલાવતા જીગ્નેશ ભાઈ કોરાટના દર્દી રાજેન્દ્ર વિરડીયા તેમજ તેમના પત્ની હેતલ વિરડીયા બને જીગ્નેશ ભાઈના ક્લિનિક પર અવાર નવાર દવા લેવા માટે આવતા હતા. તેમાંથી તેમની ઓળખાણ થઈ. તે દરમ્યાન હેતલ બહેનના પતિ રાજેન્દ્ર હિન્દુસ્તાન યુનિલિવર કંપનીમાં ઉંચા હોદ્દા પર નોકરી કરે છે એવું જણાવ્યું હતું. ત્યારબાદ તેમની વચ્ચે અનેક વખત વાતચીત થઈ.
આ દરમ્યાન રાજેન્દ્ર દ્વારા તબીબ જીગ્નેશભાઈને હિન્દુસ્તાન યુનિલિવરમાં ઊંચા હોદ્દા પર નોકરી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ નોકરીના નામે રૂપિયા માંગ્યા હતા. જે જીગ્નેશ ભાઈએ આપ્યા હતા. ત્યારબાદ દંપતીએ ખોટા એપોઈટમેન્ટ લેટર બતાવી તબીબને વધુ વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ શેરબજારમાં તબીબને રોકાણ કરવાની લાલચ આપી હતી. અને ત્યારબાદ ટુકડે ટુકડે તબીબ પાસેથી 99 લાખથી વધુ રૂપિયા ઠગી લીધા હતા.
રૂપિયા રોકાણ કર્યા છે અને તેમાંથી નફો થશે આવું જુઠ્ઠાણું રાજેન્દ્ર અને તેના પત્ની દ્વારા તબીબ પાસે ચલાવતું હતું. ઘણો સમય થયા છતાં કોઈ રકમ નહીં આવતા તબીબ જીગ્નેશભાઈએ ઈકો સેલ પોલીસને જાણ કરી હતી. જેથી સમગ્ર તપાસ સરથાણા પોલીસ મથકને સોંપવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ દરમ્યાન પતિ રાજેન્દ્ર વિરડીયા તેમજ હેતલ વિરડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.