અમદાવાદમાં ગેરકાયદે થયેલા દબાણોની સમસ્યા ગંભીર બની છે. ત્યારે આવા ગેરકાયદેસરના દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવા માટે અમાદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમૉલેશન ડ્રાઇવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝૂંબેશ હેઠળ સોમવારે શહેરના સિટી એરિયા સહિત થલતેજ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ છે.
મળતી માહિતી મુજબ, સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલી એક સરકારી જમીન પર છેલ્લા 30 વર્ષથી ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરાયું હતું, જેને આજે મેગા ડિમૉલેશન ડ્રાઇવ હેઠળ દૂર કરાયું છે. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતું. ઉપરાંત, થલતેજ પીવીઆર સિનેમા પાસેની સરકારી જમીન પરના ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરાયા છે.
ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી
તંત્રની મેગા ડિમૉલેશન ડ્રાઇવ હેઠળ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર, કોર્પોરેશનના અધિકારી અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. શહેરના થલતેજ સહિતના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂમાફિયાઓ સામે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. અગાઉ પણ શહેરના કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરી મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.