વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. આ અકસ્માત એવો હતો કે, સ્થળ પર હાજર ત્રણ મહિલા સહિત અન્ય લોકોને નજર સામે સાક્ષાત યમરાજ દેખાઈ ગયા હતા. આ અકસ્માતના હૈયું કંપાવે એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આમ તો વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતની અનેક ઘટના સામે આવતી હોય છે. તેવામાં શહેરના ભાયલી વિસ્તારમાં ગઈકાલે એટલે કે રવિવારના રોજ સર્જાયેલા ભયંકર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભાયલી વિસ્તારમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલા સિદ્ધિવિનાયક સોપાન કોમ્પ્લેક્સના ચાર રસ્તા પાસે એક કાર તેમ જ છોટા હાથી ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા, જેમાં કારમાં સવાર મહિલાને માથા તેમ જ મોઢાના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા લલિતા પાર્ટી પ્લોટ પાસે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ આવેલા છે. ઉનાળાનું વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો આ ફ્લેટ નજીક આવેલા ચાર રસ્તા પાસેની ખુલ્લા જગ્યામાં ક્રિકેટ સહિતની રમત રમતા હોય છે. ગઈકાલે પણ અહીંયા મોટી સંખ્યામાં બાળકો રમી રહ્યા હતા તેમ જ ફ્લેટ બહાર દુકાનો પાસે કેટલીક મહિલાઓ ઊભી હતી. દરમિયાન લલિતા પાર્ટી પ્લોટ તરફથી એક છોટા હાથી ટેમ્પો અહીંથી પસાર થઈ રહ્યો હતો. છોટા હાથી ટેમ્પો ફ્લોરેન્સ તેમ જ સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ નજીકના ચાર રસ્તા પાસે પહોંચતા જ પ્રગતિ વિદ્યાલય તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટેમ્પોચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના પાર્કિંગ સુધી ધસી ગયો હતો. ત્યારે ત્યાં ઊભેલી કેટલીક મહિલાઓએ ટેમ્પો પોતાની તરફ આવતો જોઈ સાક્ષાત યમરાજ દેખાયાનો અનુભવ થયો હતો. પરંતુ, ટેમ્પોચાલકે પોતાની સતર્કતાથી તરત જ સ્ટેરિંગ પરનો કાબૂ મેળવી લેતા મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જો કે, ટેમ્પો નજીકમાં આવેલા ઝાડ સાથે ટકરાયો હતો.
ભાયલી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં ઓવર સ્પીડ જતા કારચાલકના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતાઓ હતી. પરંતુ છોટા હાથી ટેમ્પોચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તો વળી કારને પણ નુકસાન થયું હતું. ત્યારે અન્યની ચિંતા કર્યા વિના પૂરપાટ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકો એ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લલિતા પાર્ટી પ્લોટથી ભાયલી ગેટ તરફ જવાના માર્ગ તરફના આ ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. પાલિકા દ્વારા અહી સ્પીડ બ્રેકરની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. જો અહીંયાના રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો આવનાર સમયમાં અકસ્માતોનું જોખમ ટાળી શકાય. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અહીં વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માગ ઊઠી છે.