મણિપુર 3 મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની મુલાકાતે મણિપુર પહોંચી રહ્યા છે. અમિત શાહ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. ગૃહમંત્રી હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને પણ મળશે. બધાને આશા છે કે અમિત શાહની મુલાકાતથી જાતિ સંકટ દૂર થઈ શકે છે. અમિત શાહ કુકી અને મીતેઈ સમુદાયના સંગઠનોને પણ મળશે.
અત્યાર સુધીમાં 40 આતંકીઓનો ખાત્મો
આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે 40 આતંકવાદીઓને ખતમ કરવાનો દાવો કર્યો છે. એન. બિરેન સિંહે રવિવારે કહ્યું કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું ત્યારથી ઘરોમાં આગચંપી અને લોકો પર ગોળીબારમાં સામેલ લગભગ 40 સશસ્ત્ર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
મણિપુરમાં હિંસાનું કારણ શું છે?
કહેવામાં આવી રહ્યું છે કે મણિપુરમાં હિંસાના બે મુખ્ય કારણ છે – મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળવા પર કુકી અને નાગા સમુદાયનો વિરોધ અને સરકારી જમીન માપણી અને આ જમીન માપણી સામે કુકી સમાજનો વિરોધ
મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ
હકીકતમાં, 3 મેના રોજ, કુકી સમુદાયે રાજ્યમાં પ્રદર્શન કર્યું હતું. આ લોકો મીતેઈ સમુદાયને આપવામાં આવેલ દરજ્જાનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન હિંસા શરૂ થઈ હતી. આ પછી, 4 મેના રોજ, કુકી અને મીતેઈ સમુદાયો એકબીજા સાથે અથડામણ કરી. આ દરમિયાન ભારે તોડફોડ અને આગચંપી થઈ હતી. જે બાદ 5 મેથી રાજ્યમાં સેના તૈનાત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે મીતેઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની તેમની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’ના આયોજન બાદ મણિપુરમાં જાતીય અથડામણમાં 75 થી વધુ લોકોના મોત થઈ ગયા. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મીતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે અર્ધસૈનિક દળો સિવાય સેના અને આસામ રાઇફલ્સની લગભગ 140 કંપનીઓ તૈનાત કરવી પડી, જેમાં 10,000 થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે.