નવસારીમાં બે વર્ષ અગાઉ માત્ર 12 વર્ષીય માસૂમ બાળાને એક વિધર્મી યુવક દ્વારા અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી પરિણીત હોવા છતા 12 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને યુપી લઈ જઈને તેણી સાથે વારંવાર બળાત્કાર કર્યું હતું. આ કેસમાં હવે નવસારીમાં સ્પેશ્યલ જજે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો છે.
યુપીના ગોંડાનો મૂળ રહેવાસી અને નવસારી જિલ્લામાં રહેતો સદામ હુસૈન ઉર્ફે અબ્દુલ અઝીઝ રાયે 3 એપ્રિલ 2021ના રોજ નવસારીમાં જ રહેતી એક 12 વર્ષીય બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી યુપી ભગાડી લઈ ગયો હતો. ત્યાં સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બીજી તરફ સગીરા ગુમ થતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.
આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કરી સદ્દામ હુસૈન તેમ જ બાળકીને યુપીમાંથી શોધી લાવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી સદ્દામ હુસૈન સામે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના આધારે, બંને પક્ષોની દલીલો સાંભળી સદ્દામ હુસૈનને દોષી ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.