અમદાવાદમાં એએમસીએ લોકોની સવલત માટે વધુ મજબૂતાઈથી ટકી શકે તેવા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવી રહી છે. પરંતુ આ રોડને તેમની જ ભૂલના કારણે જાતે તોડવા પડી રહ્યા છે. અનિલ સ્ટાર્ચ મીલ પાસેનો 2 કરોડથી વધુના ખર્ચે બનાવેલો રોડ તોડવાની ફરજ પડી છે કેમ કે, પાણી અને ડ્રેનજ લાઈનનું લીકેજનું કામ બાકી હોવાથી આ રોડ તોડી આ કામગિરી કરવામાં આવી રહી છે. સંકલનના અભાવનો વધુ એક પુરાવો ગુરુકુળ રોડ બાદ અનિલ સ્ટાર્ચ મીલ પાસેના રોડ પર પણ જોવા મળી રહ્યો છે.
વ્હાઈટ ટોપિંગ રોડ બનતા જ તોડવાની ફરજ એએમસીની પડી છે. અગાઉ દિવાળી પહેલા શરુ થયેલા ગુરુકુળ રોડની કામગિરી માંડ પૂર્ણ થઈ છે ત્યાં પણ વ્હાઈટ ટોપિંગ રોડ તોડવો પડ્યો હતો ત્યારે આ પ્રકારની સ્થિતિ અહીં પણ નિર્માણ થઈ છે. પાણી અને ડ્રેનજ લાઈનનું લીકેજ હોવાનું કારણ આપી રોડ તોડાયો છે.
પહેલા સમારકામ ના કરાયું અને પછીથી યાદ આવતા રોડ તોડવાની કામગિરી શરુ કરવામાં આવી છે. ઉતાવળે કરેલી કામગિરીના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં બે જગ્યાએ વ્હાઈટ ટોપિંગ રોડ શરુ કરવામાં આવ્યા છે અને બન્ને જગ્યાએ રોડ બનાવ્યા બાદ ખોદવાની ફરજ પડી છે. ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની જૂની લાઈન રીપેરીંગ કામ બાકી હોવાથી નવા રોડને તોડવાની ફરજ પડી છે. આ પ્રકારે અગાઉના આયોજનોમાં અભાવ જોવા મળી રહ્યો છે. રોડ બનાવ્યા પહેલા કામો પૂર્ણ થવાની રાહ જોવાતી હોય છે ત્યાં ચોમાસા પહેલા આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે હવે રોડ બન્યા બાદ તેમાં થીગડા મારાવ પડે તેવો ઘાટ સર્જાયો છે.