જય નારાયણ વ્યાસ, જેઓ પોતે 2007થી 2012 સુધી ગુજરાતના આરોગ્ય પ્રધાન હતા તેમણે પોતાના વતનની આરોગ્યની સુવિધાને લઈને સવાલ ઉઠાવતા હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે આ મામલે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
જયનારાયણ વ્યાસે જણાવ્યું છે કે પાટણમાં તેમના વતન વિસ્તાર સિદ્ધપુરમાં સરકારી હોસ્પિટલો યોગ્ય રીતે કાર્યરત નથી. આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલ પણ ખરાબ હાલતમાં છે. વ્યાસે તેમની પીઆઈએલમાં વિગતો આપી છે કે 10 માળની હોસ્પિટલમાં માત્ર ઓપીડી અને ઓર્થોપેડિક સુવિધાઓ છે. તેમણે કહ્યું છે કે સિદ્ધપુર જનરલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની વિભાગમાં જગ્યાઓ ખાલી છે. તેમણે દાવો કર્યો છે કે વર્ગ 2 અને વર્ગ 4ની 80 ટકા બેઠકો ખાલી છે. આ હોસ્પિટલોમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ડોક્ટરો ઉપલબ્ધ નથી.
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે સરકારની આરોગ્ય સેવાઓ સામે ઉભી થતી મુશ્કેલીઓને લઈને આ પ્રકારે ઉલ્લેખ કરતા સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા જય નારાયણ વ્યાસે નબળી આરોગ્ય સેવાઓનો મામલો હાઈકોર્ટમાં ઉઠાવ્યો છે. આ અંગે હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
આ સાથે આયુર્વેદ હોસ્પિટલની દુર્દશા પર સવાલો ઉભા થયા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ હોસ્પિટલો 2012માં બનાવવામાં આવી હતી. સારી જાળવણીની જગ્યાએ આ હોસ્પિટલોની ઉપેક્ષા થઈ રહી છે. જેના કારણે દર્દીઓને પડોશી રાજ્ય રાજસ્થાનમાં સારવાર માટે જવું પડે છે. આ સાથે તબીબોની નિમણૂંકની માંગણી કરવામાં આવી હતી.