મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે શ્રી કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી કે.ડી. પરવાડીયા હોસ્પિટલના માધ્યમથી છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડી શકાઈ છે. ગ્રામ પંચાયત સ્તરે અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ ઉભી થઈ છે, તે છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને આભારી છે. ગ્રામ્ય સ્તરે પાણી, રસ્તા, વિજળી સહિતની આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે જ આવી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આકાર લઈ શકે છે, જે ગુજરાતમાં છેવાડાનાં માનવી સુધી દરેક-દરેક સુવિધા અને વ્યવસ્થા પહોંચી છે, તેની સાબિતી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે વિશ્વમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેના નિરાકરણ માટે વિશ્વ નરેન્દ્રભાઇ મોદી તરફ જુએ છે. ઓસ્ટ્રેલિયા સહિતના અગ્રણી દેશો જ્યારે વડાપ્રધાનશ્રીના વૈશ્વિક નેતૃત્ત્વ અને કાર્યશૈલીની પ્રસંશા કરે તે આપણા દેશ માટે ગૌરવની બાબત છે.
વિશ્વભરમાં તેમની વિકાસની રાજનીતિનો આવકાર થયાની સાબિતી છે. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મેડિકલ ક્ષેત્રને સશક્ત કરવાના આયોજન અંતર્ગત મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યા આજે ૧૨૦૦થી વધારીને ૮૦૦૦ જેટલી કરવામાં આવી છે અને હજુ પણ વધારવાનું આયોજન છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત અમૃત કાળમાં પ્રવેશ્યું છે ત્યારે છેવાડાના માનવી સુધી દરેક સુવિધા વ્યવસ્થા પહોંચે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાન નું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો તેમજ દાતાઓના પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અંતરિયાળ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ ડો. ભરત બોઘરાને બિરદાવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલે આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્પિટલની કામગીરીને બિરદાવતા ડો. ભરતભાઈ બોઘરા અને તમામ ટ્રસ્ટીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, અહીંની અદ્યતન હોસ્પિટલમાં તબીબોની શ્રેષ્ઠ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સારવાર સાથે એક વર્ષમાં ૫૮ હજાર થી વધુ ઓ.પી.ડી. અને ૪ હજારથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે.
સી આર પાટિલે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ના હોવાના કારણે તેઓની બીમારી છુપાવતા અને સારવારથી દૂર રહેતા હતાં. તેમની આ વ્યથા, ચિંતાને દૂર કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આયુષ્માન કાર્ડ યોજના થકી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રૂ. પાંચ લાખની વિનામૂલ્ય સારવાર ઉપલબ્ધ કરાવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખની સહાય ઉમેરી કુલ રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર હવે જરૂરિયાતમંદોને નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ છે. તેઓએ આ તકે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના ૯ વર્ષમાં કાર્યકાળમાં થયેલા લોકકલ્યાણના કામોનો ચિતાર રજુ કરી દેશને અપાવેલ ગર્વની સરાહના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સી. આર. પાટીલે તમામ દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ વિન્ટેજ કારમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાએ સ્વાગત પ્રવચનમાં પરવાડીયા હોસ્પિટલની કાર્ય પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે ટૂંકી રૂપરેખા આપી હતી. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલની કામગીરી રજૂ કરતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ પણ કરાયું હતું.