દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગો અત્યંત ઉપયોગી સાબિત થતા હોય છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો મોટા ઉદ્યોગની કરોડરજ્જુ છે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂ કરી છે. સરકાર પણ માને છે કે, લોકોને જો વિકસિત કરવો હોય તો દેશના જે નાના ઉદ્યોગો છે તેને ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં લાવવા ખૂબ જ જરૂરી છે. હાલ આ ઉદ્યોગમાં ઘણું સાહસ છુપાયેલું છે પરંતુ આ ઉદ્યોગ અન-ઓર્ગેનાઈઝ્ડ હોવાના કારણે જે વેગ મળવો જોઈએ તે મળી શક્યો નથી. એ વાતને ધ્યાને લઈ સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને પણ વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવે છે. રાજકોટના આંગણે લઘુ અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એમએસએમીઇ કોનકલેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવ મુખ્યત્વે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્ર સાથેનો છે ત્યારે આ કાર્યક્રમમાં 20 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ સહિત અનેક કંપનીઓ સહભાગી થશે. એટલું જ નહીં મુંબઈથી એક નાના ઉદ્યોગ સાહસિક ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કે જેની પ્રોડક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 16 દેશોમાં તેનો નિકાસ થઈ રહ્યો છે. સરકાર અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં પણ જ્યારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જે યોજનાઓ અને જે ફાળવણી કરવામાં આવી છે તેનાથી આ ઉદ્યોગને ઘણો બુસ્ટર ડોઝ મળશે અને નવા આયામો પણ સર કરશે. કોરોના કાળમાં નાના ઉદ્યોગોએ જે રીતે પોતાનું વધાર્યું છે તેને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે તેના બજેટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ વિકસિત બનાવવા માટેના અનેક યોજનાઓને અમલવારી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એ વાતની ગંભીરતા લઈ રહ્યું છે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિવિધ ક્લસ્ટર ઉભા થાય તે હેતુસર પણ રાજકોટના આંગણે કોણ ક્લેવનું આયોજન કરવામાં આવેલું છે. ઉપસ્થિત સરકારી અધિકારીઓની સાથે રાજકીય આગેવાનોએ પણ એ વાત ઉપર ભાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને આગામી દિવસોમાં તેનો ઘણો લાભ આ તમામ ઉદ્યોગોને મળશે.