ગુજરાતના સુરતમાં મેટ્રો દોડવાની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આશા છે કે સુરતની મેટ્રો મેપ પર આવ્યા બાદ ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે અને ડાયમંડ સિટીને નવા યુગની ગતિશીલતાની સુવિધા મળશે. લોકસભા ચૂંટણી પહેલા આ મેટ્રોની સલામત સવારી શરુ થશે તેવી શક્યતા છે.
અમદાવાદ બાદ હવે સુરતમાં મેટ્રોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના વધુ એક શહેરને મેટ્રોની ભેટ મળી શકે છે. હાલમાં રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ મેટ્રો દોડી રહી છે. જીએમઆરસીની સમીક્ષામાં એવું બહાર આવ્યું છે કે ડિસેમ્બર સુધીમાં સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરનું કામ પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં સુરતને લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રોની ભેટ મળી શકે છે.
સુરતમાં બે મેટ્રો કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. તે પૈકી સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરનું કામ ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. કુલ 37 મેટ્રો સ્ટેશન બે લાઇન પર બનાવવામાં આવી રહ્યા છે. સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરની કુલ લંબાઈ 22.77 કિમી છે. તેમાંથી 15.75 કિમી એલિવેટેડ અને 7.02 કિમી ભૂગર્ભ છે. આ રૂટ પર કુલ 20 સ્ટેશન છે. બીજો કોરિડોર ભેસાણથી સારોલી વચ્ચેનો છે.
અમદાવાદમાં મેટ્રો ગયા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શરૂ કરવામાં આવી હતી. મેટ્રોએ માત્ર આઠ મહિનામાં 20 લાખ માસિક રાઇડરશિપનો આંકડો હાંસલ કર્યો છે. તેને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જીએમઆરસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત પછી ગાંધીનગર મેટ્રો કનેક્ટિવિટી મેળવનાર ત્રીજું શહેર બનશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે.
અમદાવાદ મેટ્રોએ માત્ર આઠ મહિનામાં રાઇડર્સશિપમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. મે મહિનામાં 20 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેવી જ રીતે સુરત શહેરને પણ મેટ્રોની સવારી આગામી સમયમાં શરુ થતા ફળશે.