વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20 દેશોની એક વર્ષની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે.
એક વર્ષની G20 અધ્યક્ષતા દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સમગ્ર ભારતમાં મીટિંગોનું આયોજન થઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે, શહેરીકરણ અને શહેરી સુવિધાઓને વિકસિત કરવી. આ માટે જી20ના સભ્ય દેશોના શહેરોના એક સંગઠન અર્બન ટ્વેન્ટી એટલે કે U20 ની રચના કરવામાં આવી છે.
આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં છઠ્ઠી U20 સમિટ યોજાઈ રહી છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે છઠ્ઠી યુ20ની યજમાની કરવાની તક વિશ્વના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદને મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 6ઠ્ઠી U20 સાયકલ માટેની U20 મેયોરલ સમિટ 7 થી 8 જૂલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહી છે, જેમાં વિવિધ દેશોના મેયર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
U20 મેયોરલ સમિટમાં મુખ્યત્વે શહેરી સુશાસન માટેના માળખાની પુનઃશોધ અને ડિજિટલ શહેરી ભવિષ્યને ઉત્પ્રેરિત કરવા, પર્યાવરણની જાળવણી માટે જવાબદારીપૂર્વકની વર્તણૂંકોને પ્રોત્સાહિત કરવી અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી, ક્લાઇમેટ ફાઇનાન્સને વેગ આપવો, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થામાં ચેમ્પિયન થવું, વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ શહેરોના ભવિષ્યવાદી વિકાસ પર આધારિત છે.
શહેરી વિકાસની વાત કરવામાં આવે તો, ગુજરાત એ ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકિકરણ અને શહેરીકરણ ધરાવતું રાજ્ય છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા બે દાયકાઓમાં નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં 124 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત પસંદ કરાયેલા છ શહેરોમાં રૂ.8963 કરોડના ખર્ચે કુલ 281 વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમાંકે છે. ગુજરાત રાજ્ય આ મિશન અંતર્ગત પાંચમાં ક્રમાંકે છે.