બુધવારે મધરાતે ઇસ્કોન બ્રિજ પર એક થાર કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ઊભી રહેલી ભીડને પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ફૂટબોલની જેમ 30 ફૂટ ઉલળ્યા હતા. આ દુર્ઘટનામાં 3 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના બાદ જેગુઆર કારચાલક તથ્ય પટેલને લોકોએ પકડીને ઢોર માર માર્યો હતો. જેનો, વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટનાના એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો કારની સ્પીડ વિશે પૂછતા તથ્ય પટેલ સ્વીકારે છે કે, હા 120 પર હતી.
‘હા, 120 પર હતી…’
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી તથ્ય પટેલ પોલીસવાનમાં ચડવાના પગથિયાં પર બેઠેલો છે. તેણે મોઢાના ભાગે ઇજાઓ થયેલી છે. ત્યારે કેટલાક લોકો તેણે પૂછે છે કે, સાચું બોલ કાર સ્પીડમાં હતી કે નહીં, ત્યારે તથ્ય જવાબ આપે છે કે, હા, 120 પર હતી. પછી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, શું કહેવું છે…આથી તથ્ય કહે છે કે, અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર હું બ્રેક ન મારું….
કાર સ્પીડમાં ન હોવાની પિતા અને વકીલની દલીલ
જોકે, બીજી તરફ તથ્યના પિતા અને તેના વકીલ દલીલ કરી રહ્યા છે કે તેની કાર સ્પીડમાં નહોતી. જો કે, હવે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા આ વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતને પગલે પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરી હતી. ઉપરાંત, તેની સાથે કારમાં સવાર અન્ય બે યુવક અને ત્રણ યુવતીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. આ 6 નબીરાઓ ઘટના સમયે નશામાં હતા કે નહીં તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, માહિતી મુજબ, તેમનું મેડિકલ કર્યા પછી આ અંગે સાચી હકીકત જાણી શકાશે. હાલ આ મામલે પોલીસે ઝડપી કામગીરી હાથ ધરી છે. જ્યારે ઘટનાને લઈ રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.