એક પછી એક બનતા અકસ્માતના બનાવો લોકો માટે કાળ બની રહ્યા છે. સુરતમાં એક યુવકનો ટ્રક સાથે અકસ્માત થતા તેનું પ્રાણ પંખેરું વિખાઈ ગયું હતું. આ અકસ્માતમાં હેવી ટ્રક તેના પર ફરી વળ્યો હોવાના ટાયરના નિશાન પણ લાગેલા હતા.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટીયા પાસે આ ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા યુવક મોત ભેટ્યો હતો. જો કે, લોકોએ તત્કાલ 108ને બોલાવી હતી મેડિકલ ટીમે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બચી શક્યો નહતો. યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરીવારથી દૂર રોજગારી માટે આવેલા યુવકને ન પડવી જોઈએ તેવી મોટી ખોટ યુવકના મોતથી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બિહારથી નરેશ નામનો યુવક રોજગારી માટે આવ્યો હતો. તે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે તાજેતરમાં જ લાગ્યો હતો. તેવામાં થોડા દિવસ બાદ તેની સાથે આ ઘટના ઘટતા તે ટ્રકની અડફેટે આવતા મોત ભેટ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લવાયો છે. પોસ્ટ મોર્ટમ બાદ તેના મૃતદેહને તેના વતન મોકલવામાં આવશે.
રાજ્યમાં બનતી અકસ્માતની ઘટનાઓ ખૂબ ચિંતાજનક છે. ત્યારે સુરતમાં પણ અકસ્માતમાં યુવકે તેનો જીવ ગુમાવ્યો હતો.