અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાશે. અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી સ્થળની મુલાકાત લઈને આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદ જિલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવાનું આયોજન કરાયું છે.
સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટર પ્રવીણા ડી.કે.એ 15મી ઑગસ્ટની ઉજવણીના સ્થળ – સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર સુધીરભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) અમિત વસાવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.