સુરતના રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ અને અનાજના વેપારી પર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીના હાથ અને પેટના ભાગે ઇજાઓ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્તારમાં વિધર્મીનું 15-20 વર્ષ જૂનું દબાણ દૂર કરાવતા હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ગૃહરાજ્ય મંત્રીને પણ જા કરવામાં આવી છે.
ભીડ એકત્ર થતા હુમલાખોર ફરાર થયો
મળતી માહિતી મુજબ, સુરતના ગોપીપુરામાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. તેઓ રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ધરાવે છે. આ સાથે તેઓ અશાંતધારા સમિતિના પ્રમુખ પણ છે. ગુરુવારે સવારે બીપેશ શાહ જ્યારે તેમની દુકાને ગયા હતા. ત્યારે વાહન પાર્ક કરતા સમયે એક અજાણ્યા શખ્સે તેમના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બીપેશ શાહના પેટ અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે સ્થાનિક લોકો ભેગા થતા હુમલાખોર ફરાર થયો હતો.
સ્થાનિક કોર્પોરેટર પણ હોસ્પિટલ દોડી આવ્યા
સ્થાનિક લોકો દ્વારા બીપેશ શાહને સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, લગભગ 15-20 વર્ષથી વિસ્તારમાં એક વિધર્મી દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, જેને લાંબી લડત બાદ થોડા દિવસ પહેલા દૂર કરવામાં આવ્યું હતું. આશંકા છે કે આ મામલે અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હશે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ અંગેની માહિતી ગૃહરાજ્ય મંત્રીને આપવા જણાવ્યું હતું.