શહેરમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે. એક અઠવાડીયામાં આંખ આવવાના કેસો 2300થી વધુ નોંધાયા છે. અસારવા ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કેસો વધી રહ્યા છે. એક સપ્તાહમાં અહીં પણ 500થી વધુ કેસો આંખ આવવાના નોંધાયા છે.
રોજના 411 કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાઈવેટ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આ મામલે અન્ય વધુ દવાઓની માગ કરવામાં આવી છે આ સાથે જ મેડિકલોમાં પણ આંખ આવવાની દવારુપે જે ડ્રોપ્સ આપવામાં આવે છે તેની ડિમાન્ડમાં મોટો વધારો થયો છે.
અમદાવાદમાં લગભગ દરેક સોસાયટીઓ અને ઘરોમાં આ પ્રકારે આંખ આવવાના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં આ ચેપ લાગતા સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આ બાબતે સ્વચ્છતા સહીતની કાળજી પણ લેવી જરુરી છે. આંખ આવવાના કેસો ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ આ સિઝન દરમિયાન અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે. જેથી લોકો અન્ય કોઈને ચેપ ન લાગે તે માટે કાળા ચશ્મા પહેરીને ફરતા હોય છે.