રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે ધીમીધારે અને રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. વિભાગે કહ્યું કે, હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ, 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં આજે હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સાબરમતી નદીમાં 5300 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 85 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
સરદાર સરોવર ડેમમાં 72.84 ટકા પાણીનો જથ્થો
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વિભાગે શક્યતા વ્યક્ત કરી કે દરિયામાં કરંટના કારણે પવન પણ ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યાનુસાર, સરદાર સરોવર ડેમમાં 72.84 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 46 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. ધોરાઈ ડેમ અને સંતરોવરમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.