ગુજરાતમાં જાણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય તેવા સમાચાર છાશવારે આપણી સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના થલતેજ-શીલજ બ્રિજ નીચે કોઈ પણ ખોફ કે ડર વિના ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવતું હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારથી જ આ દેશી દારૂના અડ્ડા પર લોકોની દારૂ પીવા માટે ભીડ જામે છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વહેલી સવારે દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો થલતેજ-શીલજ બ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાય છે દેશી દારૂનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવે છે. કોઈ પણ ખોફ વિના વહેલી સવારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું પેકિંગ કરી વેચાણ કરતો વીડિયો સામે આવતા હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે, હવે વીડિયો સામે આવતા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.