ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આઇ-હબ (i-Hub) ખાતે સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ હેઠળ 150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને SSIP(સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી) અંતર્ગત 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી હતી.
આ ગ્રાન્ટ એનાયત પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 2047માં ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા કટિબદ્ધ છે. આગામી સમયમાં આ સ્વપ્નને સાકાર કરવા માટે ઉભરતા ભારતની ઉભરતી યુવા પેઢીની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેવાની છે, એમ તેમણે ઉમેર્યું હતું.
દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની શરૂઆત અને તેના વિકાસ વિશે વધુમાં વાત કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં ભારતના યુવાનોના વિચારો અને આઇડિયાને માર્કેટ સુધી પહોંચાડીને તેમને અર્થતંત્રના વિકાસમાં સહભાગી
બનાવવા માટે યોગ્ય પોલીસી અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજનપૂર્વક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. માઈન્ડ ટુ માર્કેટના ઉદ્દેશ સાથે કામ કરતું આઇ-હબ(i-Hub) પણ આવું જ એક સુંદર પ્લેટફોર્મ છે. જાહેર જીવન અને સામાજિક જીવનની સમસ્યાઓ અંગેના સોલ્યુશન સ્વરૂપે રાજ્યના યુવાધન દ્વારા રજૂ કરવામાં આવતા આઈડિયાઝને ખાલી આઈડિયા ન રહેવા દેતા યોગ્ય પ્લેટફોર્મ થકી માર્કેટ સુધી પહોંચાડવાનું કામ આઇ-હબ કરી રહ્યું છે. આઈ-હબ સહિત સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ ક્ષેત્રે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેકવિધ દિશાસૂચક ઉપક્રમો થકી આજે દેશમાં એક લાખ જેટલા સ્ટાર્ટ અપ સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે તથા અન્ય યુવાઓને સારી એવી રોજગારી પૂરી પાડી રહ્યાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ સંદર્ભે વધુમાં વાત કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ સ્વરૂપે સરકાર માત્ર મદદ નથી કરતી, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં આ મૂડીરોકાણ છે. આજે સરકાર સહિત
ઉદ્યોગપતિઓ અને ઇન્વેસ્ટર્સ પણ અવનવા સ્ટાર્ટઅપસમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે. મોટા સ્ટાર્ટ અપ્સ પણ નાના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને એક સુંદર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છે. દેશભરમાં કાર્ય કરી રહેલા આવા અનેક સ્ટાર્ટઅપ્સ દેશની ઇકોનોમીને બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.