ગુજરાતમાં નકલી અધિકારી બનવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે રાજ્યના એક જિલ્લાના એસપીને વોટ્સએપ પર ફોન કર્યો અને પોતાની ઓળખ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે આપી. પોલીસ અધિક્ષકને શંકા જતાં તેમણે યુવકનો કોલ બંધ કરીને નંબર ચેક કર્યો તો ખબર પડી કે જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંબંધિત કોઈ અધિકારીનો નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી યુવકની ધરપકડ કરી હતી. યુવકે સાયબર ક્રાઈમના આરોપીને છોડાવવા માટે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકને વોટ્સએપ કોલ કર્યો હતો.
વોટ્સએપમાં યુવકે પોતાને CMOમાં ઓફિસર ગણાવ્યો હતો. તેથી જ આ સમગ્ર મામલાની સંવેદનશીલતા સાથે તપાસ કરવામાં આવી હતી. કોલ દરમિયાન, પટેલે વરિષ્ઠ પોલીસ અધિકારીને અમીર અસલમની મુક્તિ માટે વિનંતી કરી. છેવટે યુવક અમદાવાદમાં પકડાતા તેને અમદાવાદથી જામનગર લાવવામાં આવ્યો છે. ફોન નંબર પરથી એકત્ર કરાયેલા પુરાવાને કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જામનગર પોલીસ મુજબ પોતાને મુખ્યમંત્રી કાર્યાલયનો અધિકારી ગણાવતા તેના મિત્રને છોડાવવા માટે ફોન કરીને કહ્યું હતું. વોટ્સએપ કોલમાં યુવકે પોલીસ અધિકારીને આરોપીને છોડવા જણાવ્યું હતું. જ્યારે એસપીને શંકા ગઈ તો તેમણે નંબર તપાસ્યો અને જાણવા મળ્યું કે તે સીએમઓનો નંબર નથી. આ પછી જામનગર પોલીસ સક્રિય બની હતી અને જે નંબર પરથી કોલ આવ્યો હતો. તેના આધારે ફોન કરનારની ધરપકડ કરવા ટીમ બનાવવામાં આવી હતી. 10 ઓગસ્ટના કોલના થોડા કલાકો બાદ યુવક અમદાવાદમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. યુવકની ઓળખ નિકુંજ પટેલ તરીકે થઈ છે. સાયબર ક્રાઈમમાં ઝડપાયેલો આરોપી પટેલનો મિત્ર હોવાનું મનાય છે.