સુપ્રીમ કોર્ટે આજે એક વિશેષ બેઠકમાં બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી. કોર્ટે પીડિતાની ફરી મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને હોસ્પિટલ પાસેથી 20 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને પણ ફટકાર લગાવી હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજીને ફગાવી દીધી હતી. આ નિર્ણય પર સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આવા કિસ્સાઓમાં, ‘તાકીદની ભાવના’ હોવી જોઈએ અને તેને સામાન્ય બાબત તરીકે ગણીને ‘અસુવિધાજનક વલણ’ અપનાવું જોઈએ નહીં.
ઘણો સમય બગાડ્યો: SC
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે, હાઈકોર્ટે શરૂઆતમાં આ મામલાની સુનાવણી સ્થગિત કરીને ઘણો સમય વેડફ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અને સોમવારે વધુ સુનાવણી માટે આ મામલાની મુલતવી રાખતા પહેલા બળાત્કાર પીડિતાની નવેસરથી તબીબી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલત ગુરુવારે (17 ઓગસ્ટ) ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. આ અરજી એડવોકેટ વિશાલ અરુણ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
7 ઓગસ્ટે પીડિતાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો
અરજદારના વકીલે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે, 25 વર્ષીય મહિલાએ 7 ઓગસ્ટના રોજ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને બીજા દિવસે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હાઈકોર્ટે 8 ઓગસ્ટના રોજ અરજદારના સ્વાસ્થ્યની સ્થિતિની સાથે ગર્ભાવસ્થાની સ્થિતિની તપાસ કરવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. મેડિકલ કોલેજ દ્વારા 10 ઓગસ્ટે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી.
કેટલા દિવસો બગાડ્યા?
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ અહેવાલ રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો, પરંતુ “આશ્ચર્યજનક રીતે”, આ મામલો 12 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટના રોજ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. અરજદારના વકીલે ખંડપીઠને જણાવ્યું કે, જ્યારે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી ત્યારે અરજદાર મહિલા ગર્ભાવસ્થાના 26મા સપ્તાહમાં હતી. 11 ઓગસ્ટના રોજ, તેને 23 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી, કયા હેતુ થી? ત્યારથી કેટલા દિવસો બરબાદ થયા?’ બેન્ચે પૂછ્યું.