1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. આજે તેમની 79મી જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેંગોંગ તળાવના કિનારે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી અને પિતાને શ્રદ્ધાંજલિ આપી.
રાહુલ ગાંધીની લદ્દાખની મુલાકાત
રાહુલ ગાંધી ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની બે દિવસીય મુલાકાત શરૂ કરવા માટે લેહ પહોંચ્યા હતા, જે બાદમાં તેમણે 25 ઓગસ્ટ સુધી લંબાવી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 અને 35(A) નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ અને J&K માં વિભાજિત કર્યા પછી રાહુલ ગાંધીની લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. તેમણે શુક્રવારે લેહમાં યુવાનો સાથે વાતચીત કરી હતી.
મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી લેહમાં ફૂટબોલ મેચ પણ જોશે. આ સિવાય તેઓ 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) – કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે.
10 સપ્ટેમ્બરે યોજાનારી કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે.
રાહુલ ગાંધીએ મીડિયા સાથે કરી વાત
રાહુલ ગાંધીએ કહ્યું, લદ્દાખમાં લોકોની ઘણી ફરિયાદો છે. તેમને મળેલા દરજ્જાથી લોકો ખુશ નથી. અહીંના લોકો પ્રતિનિધિત્વ ઈચ્છે છે. અહીં બેરોજગારીની સમસ્યા છે. બધા કહી રહ્યા છે કે બેરોજગારી ઘણી છે અને મોંઘવારી પણ વધી રહી છે. લોકો કહી રહ્યા છે કે રાજ્યને નોકરશાહી દ્વારા ન ચલાવવું જોઈએ પરંતુ રાજ્યને જનતાના અવાજથી ચલાવવું જોઈએ.