લાલબાગના બોર્ડ દ્વારા ‘લાલબાગચા રાજા’ના ચરણોમાં કરવામાં આવેલા દાનની ગણતરી કરવામાં આવી રહી છે, જેમાં લાલબાગના રાજાના ચરણોમાં કુલ રોકડ રકમ કરોડોની રેન્જમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. લાલબાગના રાજાના ચરણોમાં સાડા ત્રણ કિલો સોનું અને ચોસઠ કિલો ચાંદીનું પણ દાન કરવામાં આવ્યું છે.
લાલબાગના રાજાના ચરણોમાં ભક્તો દ્વારા દર વર્ષે અઢળક દાન કરવામાં આવે છે. ભક્તો દ્વારા કરવામાં આવતું આ દાન બોર્ડ દ્વારા ગણવામાં આવે છે. લાલબાગચા રાજાના ચરણોમાં દાન સ્વરૂપે મળેલા સોના-ચાંદીની હરાજી કરવામાં આવે છે. તેમાંથી એકત્ર થયેલી રકમ થકી વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. દર વર્ષે ભક્તો દ્વારા રાજાના ચરણોમાં કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાથી જ ભક્તો લાલબાગના રાજાના દર્શન કરવા લાઈનોમાં ઊભા રહેવા લાગ્યા હતા. આ વર્ષે પણ રોકડ, સોનું અને ચાંદીનું વિપુલ પ્રમાણમાં દાન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ ભક્તોએ આપેલા દાનમાં ૪૨ લાખ રૂપિયાની રોકડ રકમ નોંધાઈ હતી, જયારે ૧૯૮.૫૫૦ ગ્રામ સોનું અને ૫૪૪૦ ગ્રામ ચાંદી રાજાના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. બીજા દિવસે લાલબાગના રાજાના ચરણોમાં ૬૦,૬૨,૦૦૦ રોકડનું દાન નોંધાયું છે. બીજા દિવસે ભક્તો દ્વારા રાજાને ૧૮૩,૪૮૦ ગ્રામ સોનું દાન કરવામાં આવ્યું હતું. તેમ જ ૬,૨૨૨ ગ્રામ ચાંદીનું દાન નોંધાયું હતું.
એક અંદાજ મુજબ પહેલાં જ દિવસે ૨૦ લાખથી વધુ ભક્તોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. પહેલા જ દિવસે બોલિવૂડના અનેક કલાકારો, રાજકીય નેતાઓની સાથે સામાન્ય નાગરિકોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા.
મુંબઈનો ગણેશોત્સવ દેશમાં જ નહીં વિદેશમાં પણ કુતૂહલનો વિષય છે. લાલબાગ અને ગિરગાંવ જેવા સ્થળોએ ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. લાલબાગચા રાજા, ગણેશ ગલીના ભગવાન એટલે કે મુંબઈના રાજા, ચિંચપોકલીના ભગવાન ચિંતામણીની વિશેષ ખ્યાતિ છે. લાલબાગચા રાજાને ભક્તો સાથે વિશેષ સંબંધ છે. એવી પણ માન્યતા છે કે લાલબાગના રાજાના ચરણોમાં કરેલી ઈચ્છા પૂર્ણ થાય છે. આથી લાલબાગના રાજાને ઇચ્છાપૂર્તિ ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી લાખો ભક્તો લાલબાગના રાજાના ચરણોમાં દર્શન કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે લાલબાગચા રાજાની વિરાટ મૂર્તિનું ૧૧મા દિવસે આખા દિવસની શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવે છે. લાખો લોકો છેલ્લા દિવસે પણ દુંદળાદેવના દર્શનાર્થે આવે છે.