રાજ્યના અનેક શહેરોમાં મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે. ત્યારે રાજ્યમાં ચાલતા સ્પા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ અને હાલ પણ જ્યાં અસામાજિક કામ થતા હશે ત્યાં પગલાં ભરાશે.
ગંદકી દૂર કરવા પોલીસ મજબૂતાઈથી કરશે કામ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ મામલે રાજ્યનું પોલીસ વિભાગ ખૂબ ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે. ગત વર્ષે આ વિષય પર અને સ્પા પર ખૂબ મોટા પગલાઓ લેવામાં આવેલા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આ પ્રકારની જે કોઈ ગંદકી હશે તેને સંપૂર્ણ દૂર કરવા માટે રાજ્યની પોલીસ હંમેશા મજબૂતાઈથી કામગીરી કરશે.
આઈલેન્ડ પાર્ક હોટલમાંથી ઝડપાયો હતો દેહ વ્યાપાર
આપને જણાવી દઈએ કે, સિંધુ ભવન રોડ પર સ્પાના માલિકે યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની હતી. ત્યારે પોલીસ પણ એકાએક એક્શન મોડ પર આવી ગઈ છે અને દેહ વ્યાપાર ચલાવતા દલાલો વિરુદ્ધ કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. બે દિવસ અગાઉ એસ.જી હાઈવે પર આવેલા ગુરુદ્વારા પાસેની આઈલેન્ડ હોટલમાં બોડકદેવ પોલીસે દરોડો પાડીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે હોટલના મેનેજર સહિત બે લોકોની ધરપકડ ગઈ હતી. જ્યારે દલાલ નાસી છૂટ્યો હતો. પોલીસે એક રૂપલલનાને રેસ્ક્યૂ કરી હતી.
તાજેતરમાં જ અમદાવાદના સ્પા સંચાલકનો મહિલાને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દ્વારા સ્પા સંચાલક મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ મોહસીન રંગરેજે સિંધુભવન પાસે ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ગત 25 સપ્ટેમ્બરે રાત્રે 3થી 3.30ની આસપાસ આ બનાવ બન્યો હતો.આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો.