December 14, 2024
Other

ખુશ રહેવાની ફોર્મ્યુલા

દિવસમાં એક વાર પોતાની જાત સાથે વાત કરો,નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.

બીના પટેલ

સ્વામી વિવેકાનંદના આ શબ્દોનો મર્મ છે કે ,દરેકને પોતાના અંતરના અતરંગી સ્વાદને અને એનાથી મળતો અવધૂતી આનંદને માણવાનું ક્યારેય ચુકવું ના જોઈએ .આ અનુભવમાંથી જે સંતૃપ્તિ મળે છે એને જીવનશોધનો નિષ્કર્ષ ગણી શકાય.જીવનની છેલ્લી ક્ષણોમાં એમ ન થાય કે,જીવવાનું તો હું જ ભૂલી ગઈ …મારે જે જે કરવું હતું , શું હું એ કરી શકી ?

મારી જાતને ખુશ રાખવાં મેં શું વિશેષ કર્યું ?આવા સવાલોના જવાબ કેટલાયે પોતાની જાતને પૂછ્યા છે ખરા ?

દરેક વ્યક્તિ એક વેપારી છે . જીવનમાં મળેલા તમામ લોકો તેમની પાસે જે હશે ,એમાંથી જ તમને થોડું થોડું આપતાં જશે , અને તમારી પાસેથી ખરીદતાં પણ જશે . તમારે વિચારવાનું ,તમારે તેમની પાસેથી શું શું ખરીદવું છે ?
અને તેઓને શું વેચવું છે .?
ભલે આપણેને આ સોફિસ્ટિકેટેડ સમાજમાંથી છેતરપિંડી અને દગાબાજીની ગિફ્ટ મળે .રોજ નિત નવા અનુભવોથી આપણે દરેક વ્યક્તિના કદ અને વજનને મુલવ્યા કરીયે છીએ .આપણે જ આપણી ખુશીઓને અગ્નિસ્નાન કરાવીએ છીએ .

વિષયાંતર કરીને કહું તો ,વ્યક્તિની કલ્પનાશક્તિ અને વિચારશક્તિ જયારે ઈગો સાથે ચરમસીમા પર પહોંચે ત્યારે શાંતિનું અવતરણ અશક્ય બનતું જાય છે.પ્રેમનું પણ એવું જ છે .માનવના અંત:સ્થલમાં પડેલા અને સદીઓથી જામી ગયેલા રાગદ્વેષની દીવાલોને કોણ ભેદી શકે ?
જરા જેટલો પણ અવાજ કર્યા વગર સંહાર કરતાં ન્યુક્લિયર બૉમ્બ ભલે આપણી પાસે હાથવગા ન હોય ,પણ કટુ વાણી અને વર્તનના જાનલેવા હથિયાર આપણા ભાથામાં સજાવેલા પડ્યા જ હોય છે.પ્રેમનો સૂક્ષ્મ અને વ્યાપક અર્થ સમજવા આપણે કેટલા તૈયાર છીયે ? મારા મતે ઉત્તમ કક્ષાની નીતિમત્તા જો આપણે દરેક સંબંધમાં રાખીયે તો ખુશ કેવી રીતે રહેવું …?એની ફોર્મ્યુલા જાણવાની કોઈ જરૂર રહેતી નથી. જ્યાં જ્યાં લાગણીનો પનો ટૂંકો પડતો જાય ત્યાં ત્યાં મનુષ્યત્વનું પણ સમારકામ કરવું પડે એવી પરિસ્થિતિ ઉભી થાય છે.
ખુશ રહેવાં ઉદારતા અને ક્ષમાભાવ કેળવવો ખુબ જરૂરી છે .પોતાના આત્મનિરીક્ષણ પછી એટલું જરૂર સમજી શકી છું , કે જયારે આપણે સચેત અવસ્થામાં રહીને બીજા વિષે જૂઠું બોલીયે છીએ ત્યારે માનવતાની દીવાલનો નાનકડો હિસ્સો તૂટતો જાય છે.આ દીવાલની પેલે પાર સાચી ખુશી રહેતી હોય છે.એવું ના બને એનું ખાસ ધ્યાન રાખવું કે ,આ દિવાલના કાટમાળની વચ્ચે ફસાઈને ના રહી જવાય.જીવનભર કેટલાંક બનાવટી સંબંધોને વેંઢારવાની કવાયતમાંથી મુક્ત થઇ પોતાની જાત સાથે વફાદાર રહેતાં શીખીયે તો ખુશ કેમ રહેવું ?એ પૂછવાની કોઈ જરૂર રહેતી નથી.
આપણી આસપાસ પ્રકૃતિવિરોધી ,પ્રેમવિરોધી અને આનંદવિરોધી લોકોની જમાવટ હોય એવી ઘટનાઓ તો વારંવાર બનશે , દરેકની વાતમાં મધુરતા હોય એવું બને પણ નહીં .
મનની કક્ષાએ થતી સૂક્ષ્મ છેતરપિંડીને સમજ્યા પછી શું કરવું ?એની પ્રક્રિયા જેટલી ટૂંકી રાખશો એટલી જ ખુશી સાથેની શાંતિ નજીક દેખાશે .સ્માર્ટ સમાજમાં રહેતાં લોકો સતત અન્યને અપમાનિત કરવા પ્રયત્નો કરે ત્યારે,એમના મનના ધીમા મૃત્યુને નિહાળવાનું કષ્ટ કદાપિ ના કરવું.

કાર્યક્ષેત્ર અને ઝંખનાક્ષેત્ર વચ્ચે હંમેશા અથડામણ થતી હોય છે .આપણે એનાથી ઉદ્દભવતા ઉચાટને થોડીક પળો માટે પણ હાંસિયામાં નથી મૂકી શકતા .લોકોના મગજમાં ઝડપથી ડોકિયાં કરતો પરિચિત કોલાહલ એને કેટલાંક સંબંધોને સ્વીકૃતિ આપતા રોકે છે .લોકોના સાચા કે ઉપજાવેલાં દ્રષ્ટાંતોમાં મને દિશાહીન ગતિ દેખાય છે, જે વ્યક્તિને બનાવટી ખુશ દેખાવાની કળા તરફ ધકેલે છે .પોતાની જાતને લોકોના અભિપ્રાયોથી અલિપ્ત રાખી શકીયે , તો જ ખુશ રહી શકીશું .વિષાદયોગને સવિનય ટાળીને સકારાત્મક વિચારો સાથે હૃદયપ્રવેશ કરીયે તો જ ,સુખ તરફ થોડાં ડગલાં માંડી શકીશુ.

વિચારોની સાથે થોડુંક સુખ અને થોડીક આત્મિયતા વહેંચીશું તો …જીવન જીવવા જેવું જરૂર લાગશે.આપણા વિચારોની સઘનતા એટલી જરૂર રાખવી જેથી ,બીજાની સુખ- શાંતિમાં ખલેલ ના પહોંચે.
શોકેસમાં સજાવવા માટે જીવનમાં જે જે સંબંધો આપણે સાચવી રાખ્યા છે ,એને વિસર્જિત કરવા કોઈ ચોક્કસ મુહૂર્ત જોવા ના જઇયે.આપણી જીવનની કહાનીના શીર્ષકો આપણે જ લખીયે … દરેક સમયે આપણને પસંદ હોય તેવા અંત ભલે ના લખાય સફરમાં ખુશીની ક્ષણો જયારે દેખાય ત્યારે ઝડપી લઈએ એજ આપણી સાચી કાબિલિયત.
જીવનનો અર્થ કોઈ શબ્દકોશમાં નહીં જડે.પોતાના સપનાઓને સભાનપણે અદમ્ય ઝંખનાઓમાં પરિવર્તિત કરવાનું ટાળવું , એ તમારા હાથમાં છે.ક્યારેય પરફેક્શનિસ્ટનો ટેગ કપાળ પર લગાવવાની જીદ છોડી દેવાથી ,ખુશ રહી અને અન્યને ખુશ રાખી શકાય છે.એવું મારું માનવું છે .
આપણાં દ્વારા કરવામાં આવતાં મિત્રો અને નિકટવર્તીઓ ના બૌદ્ધિક ઓપરેશન મોટાભાગે પીડાકારક સાબિત થાય છે ,તેથી માનવીય સ્વત્રંતતાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
જીવનને સૂકા રણ અને કંટાળું જંગલ થતાં અટકાવવું હોય તો સહઅસ્તિત્વને આવકારો અને એકધારાપણાંથી જીવનને મુક્ત કરજો.
ખુશ રહેવાં એકાંત મળે કે ના મળે ,મિત્રો સાથ આપે કે ના આપે ઈશ્વર તરફ ઊંડો ઉપકારભાવ રાખવાથી આંતરિક શાંતિ જરૂર મળશે . આજ શાંતિ તમને અંતરાત્મા સાથેનું અનુસંધાન મજબૂત બનાવશે અને આજ બનશે તમારી ખુશ રહેવાની ફોર્મ્યુલા .

Related posts

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો