દિપોત્સવી પર્વની રોનક શહેરના બજારમાં બરાબર દેખાઇ રહી છે. ત્યારે ગુરુવારથી દીપોત્સવી પર્વની રોનક શરૂ થઇ જશે. જોકે, પહેલા જ દિવસે એકાદશી અને વાઘ બારસ એમ બન્ને મહત્વના પર્વો સાથે ઉજવાશે. દશમની વૃદ્ધિ તિથિને કારણે આ પ્રકારનો સંયોગ જોવા મળશે. ગુરુવારે રમા એકાદશી, વાઘ બારસ, શુક્રવારે ધન તેરસ, શનિવારે કાળી ચૌદશ, રવિવારે દિવાળી પર્વ ઊજવવામાં આવશે.
ચાલુ વર્ષે દિવાળી પર્વ વેળાએ ચિત્ર-વિચિત્ર સંયોગ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની માફક જ ચાલુ વર્ષે પણ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો બ્રેક એટલે કે ધોકાનો દિવસ આવશે. જેમાં હવે રમા એકાદશી અને વાઘ બારસની સંયુક્ત ઉજવણી સાથે જ દિવાળી પર્વના શુભ દિવસોની વણઝાર શરૂ થશે. મંગળવારે દશમની વૃદ્ધિ તિથિ છે. જયારે ગુરુવારે રમા એકાદશી અને વાઘ બારસ એક સાથે રહેશે. ગુરુવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બન્ને પર્વોની ઉજવણી થશે. આ દિવસે સાંજે ૪.૪૮ વાગ્યા સુધી વૈધૃતિ યોગ અને કૌલવ કરણ છે. શુક્રવારે હસ્ત નક્ષત્રમાં ધનતેરસની ઉજવણી થશે.
શુક્રવારે આખો દિવસ હસ્ત નક્ષત્ર રહેશે. શનિવારે ચિત્રા નક્ષત્રમાં કાળી ચૌદશ, નરકરૂપ ચૌદશ, શિવરાત્રી ઊજવાશે. રવિવારે દિવાળી-દિપાવલી, નરક ચતુર્દશી, દર્શ અમાસ, મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક, લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન થશે. રવિવારે બપોરે ૨.૪૫ વાગ્યાથી અમાસ શરૂ થશે. જયારે સોમવારે ધોકાનો દિવસ એટલે કે એક દિવસનો બ્રેક રહેવાની સાથે જ સોમવતી અમાસ રહેશે. મંગળવારે નૂતન વર્ષની ઉજવણી થશે.
૨૭ નવેમ્બરના દેવ દિવાળી સુધી પર્વોની રોનક દેખાશે
મંગળવારે નૂતન વર્ષ, બુધવારે ભાઇબીજ, ૧૬મીના ગુરુવારે વિનાયક ચોથ, ૧૮મીએ લાભ પાંચમ, ૧૯મીએ છઠ્ઠ પૂજા, ૨૦મીએ દુર્ગાષ્ટમી ઉજવાશે. જોકે, ૧૯મીના રોજ સાતમની ક્ષય તિથી સાથે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
૨૩મીએ અતિ મહત્ત્વના પર્વ એવા દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી સાથે જ તુલસી વિવાહનો આરંભ થશે. ૨૭ નવેમ્બરના દેવ દિવાળી સુધી તુલસી વિવાહનો દૌર જોવા મળશે. ૨૭ નવેમ્બરના રોજ દેવદિવાળી, કાર્તિક સ્નાન, તુલસી વિવાહ સમાપ્ત થશે. ૨૩મીના રોજ દેવઉઠી એકાદશીની ઉજવણી સાથે જ તુલસી વિવાહનું સમાપન થશે.