મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓને તેમના ઇન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું નામ ઉમેરવા માટેની મુદત આજે લંબાવીને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડે ૩૦મી જૂન ૨૦૨૪ કરી આપવામાં આવી છે. આ અગાઉ તેમને ૩૧મી ડિસેમ્બર સુધીમાં નોમિનીના નામ ઉમેરી દેવાની સૂચના આપવામાં આવી હતી.
મ્યુચ્યુઅલ ફંડમાં મુડી રોકાણ કરનારાઓના રોકાણના નાણા તેમની ગેરહયાતીમાં તેમના કાયદેસરના વારસદારો સુધી પહોંચે તે હેતુથી જ તેમને તેમના મૂડીરોકાણમાં નોમિનીના નામ ઉમેરી દેવાની સુચના આપવામાં આવી છે. આ મુદતમાં છ માસ માટે લંબાવવામાં આવી છે. આ માટે દરેક ઇન્વેસ્ટર્સે એક ફોર્મ ભરવાની રહેશે. આ ડિક્લેરેશન ફોર્મમાં લાભાર્થીના નામ આપવાના રહેશે. લાભાર્થીના નામ આપવામાં નિષ્ફળ જનાર રોકાણકારોના ફોલિયોને સ્થગિત કરી દેવામાં આવશે.
મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ વતીથી કરવામાં આવેલી રજુઆતોને ધ્યાનમાં લઇને સેબીએ આ મુદત લંબાવી આપી છે. મ્યુચ્યુઅલ ફંડના દરેક ઇન્વેસ્ટર્સના ડિમેટ એકાઉન્ટને માટે નોમિનેશનની જોગવાઇ લાગુ કરવામાં આવી છે. આ માટે ૩૦મી જુન ૨૦૨૪ સુધીની સૂચના આપવામાં આવી હોવાનું સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
સેબીએ આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડના દરેક ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટમેન્ટ માટેના ફોર્મ ભરાવતી વખતે જ તેમના નોમિનીના નામ ભરાવી દેવાની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ છે. એસેટ મેનેજમેન્ટ કંપનીના લેવલથી જ આ વ્યવસ્થા કરી દેવામાં આવી રહી છે. તેમને દર પખવાડિયે આ વિગતો મોકલી આપવાની સુચના પણ આપવામાં આવી છે. આ વિગતો મેઇલથી કે એસએમેએસથી મોકલી આપવાની સુચના અપાઇ છે.
