પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.
મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની થતી હતી જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો.તેઓ 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.