૧૪મેં ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે.યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ૧ લાખ રૂપિયાની લોન ૨%ના વાર્ષિક વ્યાજે મળશે. જયારે ૬% વાર્ષિક વ્યાજ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે.
આ લોન મધ્યમ વર્ગ, ઇલેકિટ્રશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો મળી શકશે. લોન માટેનાં ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશે. આ લોન પર કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે. જે લોકો કોઈ વ્યવસાયમાં ૧ જાન્યુઆરી ૨૦૨૦થી જોડાયેલા હોય તેમને આ લોન મળવા પાત્ર છે.