અલ્હાબાદ હાઈકોર્ટે દ્વારા ગઈકાલે મસ્જીદોમાં અજાન આપવાના પ્રકરણમાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે મસ્જિદોમાં અજાનથી કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન નથી થતું પણ લાઉડ સ્પીકરથી અજાન એ ઈસ્લામનો ભાગ નથી. કોઈ પણ મસ્જિદમાંથી લાઉડ સ્પીકરથી અજાન એ બીજા લોકોના અધિકારોમાં હસ્તક્ષેપ છે. કોર્ટે જણાવ્યું છે કે જે મસ્જિદો પાસે લાઉડ સ્પીકરની પરવાનગી છે તે તેનો ઉપયોગ કરે. તંત્રની મંજુરી વગર અજાન ન આપે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતુ કે આર્ટિકલ 21 સ્વસ્થ જીવનનો અધિકાર આપે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કોઈ બીજાને બળજબરીથી વર્ણવવાનો અધિકાર આપતી નથી. ત્યાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સ્પીકરના અવાજ પર રોક છે. કોર્ટના ઘણા નિર્ણયો છે, જેના પર સરકારને નિયંત્રણ કરવાનો અધિકાર છે.
ધ્વનિ પ્રદુષણ મુકત નિંદરનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારોનો ભાગ છે. કોઈપણ વ્યકિતને પોતાના મૂળ અધિકારો માટે બીજાના મૂળ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો હક્ક નથી. રાત્રે ૧૦થી સવારે ૬ સુધી સ્પીકરના અવાજ પર પ્રતિબંધનો કાયદો છે. જેમને પરવાનગી મળી છે તે મસ્જિદ જ આવુ કરી શકે છે
આ આદેશ ન્યાયમૂર્તિ શશીકાંત ગુપ્તા તથા ન્યાયમૂર્તિ અજીતકુમારની ખંડપીઠે ગાજીપુરના સાંસદ અફજાલ અન્સારી તથા ફરૂખાબાદના સૈયદ ફૈઝલની અરજીઓને નકારી કાઢતા આપ્યો હતો. કોરોનાને રોકવા ગાજીપુરના કલેકટરે અજાન પર મૌખિક રીતે પ્રતિબંધ મુકયો હતો. તેને લોકડાઉનનુ ઉલ્લંઘન ગણાવ્યુ હતું. તે પછી ફરખુબાદમાં પણ આવો કેસ સામે આવ્યો હતો. ગાજીપુરના કલેકટરના આદેશ વિરૂદ્ધ સાંસદે મુખ્ય ન્યાયધીશને પત્ર લખ્યો હતો જેને કોર્ટે જનહિતમાં સ્વીકાર કર્યો હતો. પત્રમાં તર્ક અપાયો હતો કે રમજાનમાં લાઉડ સ્પીકરથી અજાનની પરવાનગી ન આપવી એ ધાર્મિક સ્વતંત્રતા તથા મૂળ અધિકારોનો ભંગ છે. કોર્ટે ફેંસલો સંભળાવતા કહ્યુ છે કે અજાનથી લોકડાઉનનો ભંગ નથી થતો પરંતુ લાઉડ સ્પીકરથી અજાન પર પ્રતિબંધ કાનૂની છે. માનવ અવાજમાં મસ્જિદોમાંથી અજાન આપી શકાય છે.