રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.
અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.