અમદુપુરા ખાતે આવેલી જી.સી.એસ. હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ અચાનક અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.કોરોના તહેવારો પછી ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલ તંત્રની અણઘડ નીતિઓએ દર્દીઓની સ્થિતિ બગાડી છે
હડતાળ પર ઉતરનારા રેસિડેન્ટ ડોક્ટરોનું કહેવું છે કે જી.સી.એસ. હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડોક્ટરો પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. હવે આ જ માસ્ટર ડિગ્રીના રેસિડેન્ટ ડોક્ટર્સને તેની સ્પેશ્યાલિટી સિવાયનું કામ કરાવવામાં આવી રહ્યુ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અને નોન-કોવિડ બંને ડ્યુટી કરાવવામાં આવી રહી છે.
કોરોના કાળમાં અમદાવાદમાં જી.સી.એસ. હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળની માંગ છે કે તેમની અભ્યાસ ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી માર્ગદર્શિકા મુજબ કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. આ અગાઉ પણ છેલ્લા છ મહિનામાં જી.સી.એસ. મેનેજમેન્ટને રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મેનેજમેન્ટે આ અંગે કોઈ ફોડ ન પાડતા રેસિડેન્ટ ડોક્ટરો પાસે હડતાળ સિવાયનો કોઈ માર્ગ રહ્યો નથી