રાજસ્થાન સરકાર કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને પગલે હરકતમાં આવી છે. સરકારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લા મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુલાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વિના ફરવા પર દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દીધી છે.
આ સાથે જ રાજ્યની રાજધાની જયપુરમાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં શનિવારે રાત્રે રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં ઠંડીની સિઝન અને તહેવારોના દિવસો દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકવવાના ઉપાયોના ભાગરુપે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના સૌથી વધુ કોરોનાગ્રસ્ત 8 જિલ્લા મુખ્યમથકો જેમાં જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારોમાં માર્કેટ, રેસ્ટોરન્ટ, શૉપિંગ મોલ સહિત તમામ સંસ્થાઓ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. અહીં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ રહેશે. જ્યારે માસ્ક નહીં પહેરવા બદલ વસૂલવામાં આવતી 200 રૂપિયાના દંડની રકમ પણ હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવી છે.