ઈઝરાયલી સેનાએ હમાસના ટોપ લીડર સેહિયેહ સિનવારના ઘર પર હવાઈ હુમલો કર્યો હતો તેમાં તે ઠાર થયો હતો. ઈઝરાયલના વિમાનોએ ગાઝાની મહત્વની બિલ્ડિંગ, રસ્તાઓ તથા મીડિયા ઓફિસોને નિશાન બનાવી હતી.
ગાઝામાં થઈ રહેલા હુમલાની વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાયડને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરીને નાગરિકો અને પત્રકારોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે બાયડને વાતચીત દરમિયાન ઈઝરાયલમાં આંતર સાંપ્રદાયિક હિંસા અને વેસ્ટ બેન્કમાં વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઈઝરાઈલી મિસાઈલ હુમલામાં 12 માળની આખી જલા બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ છે. આ 12 માળની બિલ્ડિંગમાં ઘણા મીડિયા ગૃહોની ઓફિસો આવેલી હતી. એસોસિએટેડ પ્રેસ (એપી), કતારની ન્યૂઝ એજન્સી (અલ જજિરા) સહિત ઘણી મીડિયાની ઓફિસો ત્યાં આવેલી હતી. મિસાઈલ હુમલામાં મીડિયા સંસ્થાનોની ઓફિસોને મોટાપાયે નુકશાન થયું છે.
મિસાઈલ હુમલો કરતા પહેલા ઈઝરાયલે એક કલાક પહેલા મીડિયાકર્મીઓ તથા પત્રકારોને હટી જવાની ચેતવણી આપી હતી. ઈઝરાઈલની ચેતવણી મળતા પત્રકારો ત્યાંથી ખસી ગયા હતા પરિણામે તેમના જીવ બચી ગયા હતા.
ઈઝરાયલ મિસાઈલ હુમલાનું તો કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, 12 માળની બિલ્ડિંગમાં હમાસના આતંકવાદીઓ છુપાયા હોવાનો ઈઝરાયલને પાકા પાયે શક હતો. તેથી ઈઝરાઈલે બિલ્ડિંગને ઉડાવી મૂકવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ બિલ્ડિંગમાં આંતરરાષ્ટ્રીય મીડિયાની કેટલીક ઓફિસો પણ આવેલી હતી અને તેમને બચાવવાનું ઈઝરાયલને જરુરી લાગ્યું તેથી હુમલાના એક કલાક પહેલા મીડિયા સંસ્થાનોને ખસી જવાની ચેતવણી આપી.