જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે થઈ છે. તે કાશ્મીરના પુલવામાનો છે અને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયો હતો. દિલ્હી પોલીસને આ આતંકી પાસેથી કેસરી ઝભ્ભો, સફેદ પાજામો, કલાવા, મણકો, ચંદન અને કુમકુમ મળી આવ્યું છે. ડારના કબજામાંથી .30 બોરની પિસ્તોલ અને બે મેગેઝીન મળી પણ આવ્યા છે, જેમાં 15 જીવંત કારતુસ છે. પ્રારંભિક પૂછપરછમાં જાન મોહમ્મદ ડારે ખુલાસો કર્યો હતો કે તેને આતંકી સંગઠન દ્વારા પુજારીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું.