કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને ‘બ્લેક ફંગસ’ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી તરીકે જાહેર કરવા માટેની તાકીદ કરી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકોરમાઈકોસિસના સ્ક્રિનિંગ, નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ માટે તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની આરોગ્ય વિભાગ તથા સર્વેલન્સ સિસ્ટમને જાણ કરવા ફરજિયાત બનાવવા માટે જણાવ્યું છે.
પત્રમાં જણાવાયું છે કે, આ ફંગલ ઇન્ફેક્શનની સારવારમાં આંખના સર્જનો, ઇએનટી નિષ્ણાતો, જનરલ સર્જન, ન્યુરોસર્જન, ડેન્ટલ મેક્સિલોફેસિયલ સર્જન વગેરે અને એમ્ફોટેરીસીન બીની સંસ્થાને એન્ટિફંગલ દવા તરીકે સમાવવામાં આવતા મલ્ટિડિસિપ્લિનરી અભિગમની જરૂર છે. અત્યાર સુધીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાં બ્લેક ફંગસના કેસ નોંધાયા છે.