કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનામાં સરકારે પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી છે. વેક્સિનેશન પર રાજ્ય સરકાર જુદી જુદી વાતો કરે છે. વેક્સિન પર આજે રાજ્યમાં વેપાર શરૂ થયો છે તેવો ગંભીર આરોપ દોશીએ લગાવ્યો હતો. સાથે જ કોર્ટમાં રજૂ કરેલ એફિડેવિટ અને વાસ્તવિકતા વિપરીત હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. સાથે જ સરકાર બ્લેક ફંગસના ઈન્જેક્શનની વ્યવસ્થા કરે તેમ પણ દોશીએ જણાવ્યું હતું.
વેક્સિનેશનને લઇ થયેલાં વિવાદ પર અર્જુન મોઢવાડીયાએ યુનિવર્સલ વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ કરવા માંગ કરી હતી. અને જણાવ્યું હતું કે GMDC ગ્રાઉન્ડમાં વેક્સિનના 1 હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય છે. મોઢવાડિયાએ આ ચાર્જ તાત્કાલિક રદ્દ કરવા માંગ કરી હતી. અને કોંગ્રેસે જે રીતે પોલિયો, ક્ષય, સહિતનું વેક્સિંનેશન કર્યું તે પદ્ધતિ અપનાવવા માંગ કરી હતી. સાથે જ PMએ લીધેલા વિમાન અને સેન્ટ્રલ વિસ્ટના પ્રોજેક્ટની રકમથી દેશમાં વેક્સિનેશન પ્રક્રિયા પૂરી થઇ શકે છે તેમ પણ મોઢવાડિયાએ જણાવ્યું હતું.